દાહોદ સ્થિત ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ અંતર્ગત સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા નવિન ભોજન વિતરણ કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો

હિન્દ ન્યુઝ, દાહોદ

દાહોદ સ્થિત ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ અંતર્ગત નવીન ભોજન વિતરણ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો. દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરના વરદહસ્તે આ નવનિર્મિત કેન્દ્રનું ભવ્ય લોકાર્પણ કરી શ્રમિકોને ભોજન વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સાંસદશ્રી જસવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે, “શ્રમિકો એ સમાજ અને રાષ્ટ્રના નિર્માણનો પાયો છે. રાજ્ય સરકાર દ્વારા સંચાલિત શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ હવે શ્રમિકો અને તેમના પરિવારોને માત્ર રૂ. ૫ ની અત્યંત નજીવી કિંમતે પૌષ્ટિક અને ગુણવત્તાસભર ભોજન મળી રહેશે. દાહોદ ખાતે આ કેન્દ્ર શરૂ થવાથી સ્થાનિક શ્રમિક પરિવારોને આર્થિક અને શારીરિક સ્તરે ખૂબ જ મોટી રાહત મળશે.”

કાર્યક્રમ દરમિયાન સાંસદએ ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સંચાલિત ‘ધનવંતરી આરોગ્ય રથ’ની પણ મુલાકાત લીધી હતી. તેમણે આરોગ્ય સેવાઓની સમીક્ષા કરી સ્થળ પર ઉપસ્થિત અધિકારીઓ તેમજ કર્મચારીઓને કામગીરી સુચારૂ રૂપે ચલાવવા અંગે જરૂરી માર્ગદર્શન અને સૂચનો પૂરા પાડ્યા હતા.

આ લોકાર્પણ પ્રસંગે સ્થાનિક સરપંચશ્રી, ચીફ ઓફિસર દીપસિંહ હઠીલા, વિવિધ સામાજિક આગેવાનો, સરકારી અધિકારીઓ તેમજ બહોળી સંખ્યામાં શ્રમિકો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment